0

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ સ્ટુડન્ટ રિટ્રીટ ૨૦૨૪

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ સ્ટુડન્ટ રિટ્રીટ ૨૦૨૪

જ્ઞાનભાનુ પરમકૃપાળુદેવે ૨૦મા વર્ષે લખેલ સાતસો મહાનીતિ, આંક-૧૯ના ૫૭૫મા વચનમાં ફરમાવ્યું છે– “વિદ્યાલય સ્થાપું.” આ કલ્યાણકારી ભાવનાને ચરિતાર્થ કરતું જ્ઞાનમંદિર એટલે પૂજ્ય ગુરુદેવશ્રીના માર્ગદર્શન હેઠળ નિર્મિત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ– ખીલવવાનો નિ:સ્વાર્થ પ્રયાસ કે જ્યાં વિદ્યા સાથે સર્વાગી વિકાસ સધાય.

ધરમપુર અને કપરાડા વિસ્તારનાં ૨૩૮ ગામોમાં આવેલ આ સૌપ્રથમ વિજ્ઞાન કૉલેજનાં દસમા વર્ષના આરંભ નિમિત્તે આશરે ૩૦૦ વિદ્યાર્થીઓ અને ૪૦ સ્ટાફ-સભ્યોની ઉમંગભરી સૌપ્રથમ રિટ્રીટનું આયોજન તા. ૧૩-૧૫ ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન યોગાભ્યાસના માધ્યમથી તેમના દિવસનો પ્રારંભ થતો. મિશન વીડિયો દ્વારા તેના વિવિધ આધ્યાત્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓનો ચિતાર મેળવ્યો. આશ્રમ ટૂર દ્વારા આશ્રમ વિષે જાણી આનંદ પામ્યા.

પરમકૃપાળુદેવના પાવન જીવનની ઝાંખી કરાવતો નાટયપ્રયોગ 'યુગપુરુષ–મહાત્માના મહાત્મા' થકી જીવનમૂલ્યો પ્રાપ્ત કરવાની પ્રેરણા સાંપડી. શૈક્ષણિક વિકાસની સાથોસાથ સ્વવિકાસ સાધવા અંગે વિવિધ રમતોનું આયોજન અને આત્માર્પિત સ્વાધ્યાયકાર દ્વારા ખાસ વર્ગ લેવામાં આવ્યા. આ ઉપરાંત ગ્રાફોલૉજિસ્ટ તેમજ લેખિકા પીંકી આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને જીવન જીવવાની કળા અંગે શિક્ષણ આપવામાં આવ્યું. જિનમંદિરના પવિત્ર વાતાવરણમાં સંધ્યા-આરતીમાં જોડાઈ સૌ ધન્ય થયા.

સંવેદના અને કૃતજ્ઞતા વ્યક્ત કરતી દ્વિતીય દિવસની સંધ્યાસભા, ઉપસ્થિત એવા ૫૦૦ મહેમાનો અંતર્ગત વિદ્યાર્થીઓનાં પરિવારજનો, ઔદ્યોગિક નિષ્ણાતો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આદિ અર્થે અવિસ્મરણીય બની ગઈ. વિદ્યાપીઠનો પ્રારંભ, કાર્યપદ્ધતિ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જુદાં જુદાં ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ અભૂતપૂર્વ સિદ્ધિઓ, મહાનુભાવો દ્વારા વિદ્યાપીઠ અંગેના પ્રતિભાવો જેવા અનેક વિષયો સમાવિષ્ટ કરતી વિકાસયાત્રાને એક નૃત્ય-નાટિકા “મારા તો ભાગ્ય ખૂલ્યા' દ્વારા પ્રસ્તુત કરવામાં આવી.

વિદ્યાર્થી જૈનિશ નાયક અને વિદ્યાર્થીની નિયતિ પટેલ દ્વારા પોતાના અનુભવોની લાગણીસભર રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાપીઠના સ્ટાફના સભ્યો દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રીને વિદ્યાર્થીઓએ બનાવેલ પરમકૃપાળુદેવનું ચિત્રપટ, પાઘડી અને પ્રેમસંભારણું અર્પણ કરવામાં આવ્યાં. આરતીના અનુષ્ઠાન બાદ પૂજ્ય ગુરુદેવશ્રી સંગે ફોટોસેશન અને સ્મૃતિચિહ્નની ભેટ પામી સૌ ધનભાગી થયા.

સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં સહભાગી થઈ આ રોમાંચકારી રિટ્રીટનાં યાદગાર સંસ્મરણો સાથે છૂટા પડ્યા. સર્વાંગી વિકાસના આ સાતત્યભર્યા સંનિષ્ઠ પ્રયાસ દ્વારા વિદ્યાર્થીઓ સાચા અર્થમાં સર્વોચ્ચ સિદ્ધિને સાંપડે એવી પરમકૃપાળુદેવ અને પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીચરણે પ્રયાચના!