જ્ઞાનાવતાર અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીએ નવા યુગ માટે મુક્તિમાર્ગનો પંથ પ્રકાશિત કરી આધ્યાત્મિકતાનો પાયો મજબૂત કર્યો છે. તેઓ ઉત્કૃષ્ટ આત્મદશા પામ્યા હતા અને વર્તમાન યુગમાં લોકોના કલ્યાણ અર્થે તેમણે જૈનધર્મના સતસિદ્ધાંતોનું સાચું સ્વરૂપ સમજાવ્યું.
યુગપુરુષ તરીકે પૂજ્ય એવા ૧૯મી સદીના આ વિરલ પુરુષે ભવિષ્યની પેઢીઓ માટે અધ્યાત્મના માર્ગદર્શન રૂપ અમૂલ્ય વારસો ઉપહાર રૂપે આપ્યો છે. માત્ર ૩૪ વર્ષના અલ્પ આયુષ્યમાં તેઓ આ અસાધારણ કામ કરી ગયા છે. તેમનું જીવન અને કવન અંતર્મુખતાનું આમંત્રણ છે, શાશ્વત સત્યપ્રાપ્તિનું પ્રબળ સાધન છે.
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી એક પ્રબુદ્ધ ગુરુ, એક આધ્યાત્મિક આર્તદ્રષ્ટા અને શ્રીમદ્ રાજચંદ્રના પ્રખર ભક્ત છે. તેઓ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક છે – આધ્યાત્મિક સંસ્થા જે છ ખંડોમાં ૨૦૬ કેન્દ્રો ધરાવે છે.
જ્ઞાનને પ્રયોગાત્મક બનાવતી, બુદ્ધિ અને હ્રદયનો સુમેળ કરતી, આનંદ અને ધર્મને જાણે એક બનાવતી તેઓશ્રીની શૈલી આબાલ-વૃદ્ધ સૌને આકર્ષિત કરે છે.
સત્સંગ દ્વારા જ્ઞાન, શિબિરોના ગ્રંથ-અભ્યાસ દ્વારા સ્વાધ્યાય, ધ્યાન દ્વારા અંતર્મુખતા અને નિ:સ્વાર્થ સેવા દ્વારા સુખની વહેંચણી માટે આ મિશન ઉત્સાહી સ્વયંસેવકો દ્વારા સૌના કલ્યાણ અર્થે પ્રેમપરિશ્રમમાં પવિત્રતા ઉમેરી રહ્યું છે.