શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ વિજ્ઞાન પ્રવાહની કોલેજ ધરમપુર ખાતે ઉદ્યોગ ક્ષેત્રે રૂચી ધરાવતા વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ, પારડી, વાપી અને સંધ પ્રદેશની ૧૦ પ્રતિષ્ઠિત કમ્પનીઓ જેવી કે અતુલ, આરતી ઇન્ડસ્ટ્રીઝ, આલકેમ ફાર્માસ્યુટીકલ, સ્કોટ પુનાવાલા, મેરિલ લાઈફસાયન્સ, રીક્ટર થેમીસ, સ્વાતિ સ્પેનટોસ, સીડમેક લેબોરેટરીઝ, એસ. કાન્ત હેલ્થકેર અને એક્ઝીમેડ ફાર્માસ્યુટીકલ. કેમ્પસ પ્લેસમેન્ટમાં એમ.એસસી., પીજીડીએમએલટી અને બી.એસસી. ના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ કંપનીઓ દ્વારા લેખિત પરીક્ષણ અને ઇન્ટરવ્યૂ દ્વારા તેઓની પસંદગી કરવામાં આવી હતી. ૮૫% થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ દ્વારા જોબ ઓફેર કરવામાં આવી હતી. ઉદ્યોગમાં વિવિધ ક્ષેત્રો જેવા કે કેમિકલ, ફાર્માસ્યુટીકલ અને મેડીકલની વિવિધ કંપનીઓમાં પ્રોડક્શન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ક્વાલિટી કન્ટ્રોલ અને ક્વાલિટી અશ્યોરન્સ જેવા ડીપાર્ટમેન્ટમાં જોડાઈ પોતાની કારકિર્દીનું ઘડતર કરશે. મેરિલ લાઇફ સાઇન્સના શીનું કુરિયન પોતાના અભિપ્રાય આપતાં કહે છે કે, “આસપાસના પ્રદેશના વિદ્યાર્થીઓ માટે શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ખૂબ સારી તાલીમ આપી રહી છે. અમને અહીંથી ખૂબ સારું વિષય જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓ મળ્યા છે.”
કેમ્પસ પ્લેસમેન્ટ પૂર્વે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીની મુલાકાત, ઇન્ડસ્ટ્રી નિષ્ણાંત સાથે ચર્ચા, ઇન્ટરવ્યૂ સંબંધિત તાલીમ અને મોક ઇન્ટરવ્યૂ નું આયોજન કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું. આ સાથે કોલેજ દ્વારા વિવિધ કમ્પનીઓમાં પ્લેસમેન્ટ પામેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવો વિષે વાત કરી હતી.
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ૮૦ થી વધુ કંપનીઓ સાથે સંકળાયેલ છે. કોલેજ વિવિધ પ્રયત્નો થકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.